વિશ્વ આદિવાસી દિવસ:બિરસા મુંડાનું યોગદાન

વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.આદિવાસીના વિકાસમાં બિરસા મુંડાનો શુ ફાળો છે? તેના વિશે થોડુંક જાણીએ

બિરસા મુંડાનો પરિચય.

બિરસા મુંડાનો જન્મ 15 મી નવેમ્બર,1875 માં થયો હતો.તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુન્ડાઇના હતું. બિરસાનું બચપણ ઘેટાં-બકરાં ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ (બહારથી આવેલા) વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી. તેમજ વૈષ્ણવધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા.

ઉલગુલાન ચળવળ અને બિરસા મુંડા:
અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર,જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું.
જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેના વિરોધમાં ઈ.સ. 1895માં વ્યાપક આંદોલન ‘ઉલગુલાન’નું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. દક્ષિણ બિહારમાં છોટાનાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઈલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓનો એવો દાવો હતો કે, છોટાનાગપુર તેમનું છે. કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેઠ કરાવે છે.
બિરસા મુંડાના જનઆંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ધર અને ગામની સફાઈ રાખવી. ડાકણ – જાદુકળામાં વિશ્વાસ ન રાખવો. તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. બિરસા મુંડાની દરેક વાત મુંડા-સમુદાય સારી રીતે અનુસરતો હતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઇચ્છતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજવહીવટને અડચણરૂપ બનવાનો ખોટા આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ ઈ.સ. 1895માં કરવામાં આવી હતી.
બે વર્ષ બાદ ઈ.સ. 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. એમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસારાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈ.સ. 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું, બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા મોકળું મેદાન મળી ગયું.

Leave a Comment